Saturday, 18 October 2025

હે ભારતભૂમિના નાગરીકો! ઉઠો! સભામંડપમાં થતા લોકશાહીરૂપી દ્રોપદીના ચિરહરણને રોકવા કટિબદ્ધ બનો!

 ઝિંદાબાદ સાથીઓ,

  1. વોટ ચોરી થશે કે નહીં થાય એનાથી મને શું ફરક પડવાનો?

  2. વોટ ચોરીથી રાજકારણમાં શું ફરક પડવાનો?

  3. વોટ ચોરી નહીં થાય તો તમને શું મળશે?

  4. રાજકારણમાં કામ કરતા લોકોને શું ફરક પડશે?

આમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો પણ સમાવેશ થાય છે.


દેશમાં ચાલી રહેલી પરિસ્થિતિઓથી આપ સૌ વાકેફ હશો. ચૂંટણીના પરિણામો બાદ આપણે સૌ એ ચર્ચામાં લાગી જઈએ છીએ કે કયા મહેનત ઓછી પડી? લોકોને આટલી તકલીફ છે તો પણ ભાજપને આટલા મત કેવી રીતે મળે છે? ઈવીએમ માં ગરબડી કરી દીધી હશે. પરંતુ, તાજેતરમાં રાહુલ ગાંધીએ પુરાવા સાથે બહુ ચોંકાવનારી વિગતો રજુ કરી છે જેને રાજકારણમાં રસ ધરાવનાર અને બિનરાજકીય હોય તેવા તમામ લોકોએ બિલકુલ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. 

આપણે સૌ જ્યારે આપણા અધિકારની વાત આવે ત્યારે લોકશાહી, બંધારણ વિગેરેની વાત ભુલ્યા વગર કરીએ છીએ. પ્રાથમિક શાળામાં નાગરીકશાસ્ત્રમાં આપણે સૌ ભણેલા કે લોકશાહી એટલે ‘લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું શાસન’. ભારત દેશ 1947માં આઝાદ થયો અને ભારતના તમામ લોકોને એક વોટ, એક મૂલ્યનો અધિકાર મળ્યો. જેમાં મુકેશભાઈની પત્ની નીતાબેનના વોટની કિંમત અને શાકભાજીની લારી લઈને બેસતા નાથીબેનના વોટની કિંમત પણ સરખી. પણ વર્તમાન સમયમાં શિક્ષણ અને જાગૃતિના અભાવે આપણા વોટની કિંમત ચપટી ચવાણું, એક પોટલી, 500 ની એક નોટ, હિન્દુ-મુસ્લિમની લડાઈના નામે કોડીના ભાવની કરી દેવામાં આવી છે. 

ડૉ. બાબાસાહેબ આંબેડકર અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા દેશના દરેક પુખ્ત નાગરીકને જાતિ, ધર્મ, લીંગના ભેદભાવ વગર વોટનો અધિકાર આપી દીધો. જેના લીધે દરેક વ્યક્તિને લોકશાહીમાં પોતાની વાત રજૂ કરવાનો અધિકાર મળ્યો. જો બંધારણસભામાં એવું નક્કી થયું હોત કે આટલું ભણેલા હોય કે આટલા પૈસા હોય કે અમુક જાતિમાંથી આવતા હોય તો જ વોટ આપી શકાશે તો આપણી સૌની દશા શું થાત? આ દેશમાં અડધોઅડધ વસ્તી જેમની છે એ મહિલાઓના અધિકારો ક્યારે મળતા? આજે એ વોટની તાકાતના લીધે સમ ખાવા પૂરતું પણ 50% પ્રતિનિધિત્વ આપવું પડે છે. 

પણ આપણી તકલીફ એ છે કે જે વસ્તુ માટે આપણે સંઘર્ષ કરવો નથી પડ્યો એની કિંમત આપણે ભૂલી જઈએ છીએ.

અત્યાર સુધી ચૂંટણીઓની બીકે રાજકીય પાર્ટીઓ અને નેતાઓએ તમને સાંભળવા પડતા હતા. નેતાઓમાં અને પાર્ટીઓમાં એક ભય હતો કે ફલાણો મુદ્દો ચગ્યો છે તો એનું નિરાકરણ લાવવું પડશે નહીંતો ચૂંટણીમાં નુકસાન થશે. તમને ખુશ કરવા તો ખુશ કરવા પણ સરકાર અને નેતાઓએ તમારા વિસ્તારમાં આવવું પડતું. ગ્રાન્ટ આપવી પડતી, ગટરના ઢાંકણા નાખવાના હોય, સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાની હોય, કોઈ દાખલો કાઢી આપવાનો હોય તો તમે જાઓ ત્યારે ના ગમે તોય સરખી રીતે વાત કરવી પડતી. શું કામ? તો કે ચૂંટણી આવશે ત્યારે આ નડશે. એટલે તમારો વોટ લેવા તમને રાજી રાખવા મહેનત કરવી પડતી, તમા રા મુદ્દાને ધ્યાનમાં લેવા પડતા, તમારા વિસ્તારની મુલાકાત લેવી પડતી અને તમને જુઠ્ઠા તો જુઠ્ઠા પણ વચનો આપવા પડતા. જે સમાજે મહિલાઓને ફક્ત પગના જૂતા જેટલી કિંમત કરી એમને પણ વોટ દેવાના અધિકારને લીધે મહિલાઓના મુદ્દે પણ વિચારવું પડે છે. 

આતો વાત થઈ સામાન્ય નાગરીકોની. વોટચોરીથી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી કાર્યકરોનું તો ઠીક પણ ભાજપના કાર્યકરોનું પણ અસ્તિત્વ ખતમ થઈ જવાનું છે. અત્યારે તો લોકો સુધી પહોંચવાના બહાને પણ તમારી જરૂર છે. પછી તો ખુરશીઓને ગાભા મારવા પણ તમને રાખવાના નથી. વોટચોરી કરીને જીતી જવાય તો પછી કાર્યકરોની કે એમના કામ કરવાની જરૂર રહેશે ખરી? પછી તો જે જેટલા પગ દબાવી આપશે એને ટિકિટ આપીને એને જ જીતાડી દેશે. પછી તો અહીંના લોકલીયા કે ફાસફૂસિયા નેતાની કોઈ જરૂર રહેવાની નથી. અમિતભાઈ કહેશે એ નેતા. તમને કહેશે કે તમે ગાભા લઈને ઘર જતા રહો. 

લોકશાહીની મજા તો જ છે જો સરકારને પ્રજાનો અને કામ ના કરે તો ચૂંટણી હારવાનો ડર હોય. પણ આપણે તો ગુજરાતમાં 30 વરસથી એય ને મજા-મજા. ડોસી મરેય નહીં ને ખાટલો મૂકે પણ નહીં એ કહેવત જેવું ચાલે છે. 

કેમ સરકારને અદાણીને 1 રૂપિયાના ભાવે જમીન આપતા સંકોચ નથી થતો અને શહીદ સૈનિકની વિધવા પત્નીને જમીન આપવામાં તકલીફ થાય છે? 

કેમ સરકારને ડર નથી કે આટલા પેપરલીક થાય છે તો એ મુદ્દે કોઈ નક્કર પગલાં ભરીએ?

કેમ સરકાર બંધ થતી સરકારી શાળાઓને રોકવા રસ નથી દાખવતી અને ખાનગી શાળાઓને વગર વિચાર્યે મંજુરી આપી દે છે?

આ બધા જ પ્રશ્નનો જવાબ છે કે સરકારને ચૂંટણી હારવાનો ડર જ નથી. વોટચોરી કરવાનું આટલું સુનિયોજિત ષડયંત્ર કરેલું હોય તો પછી ડર શેનો?

જો દેશમાં અને રાજ્યમાં વોટચોરી અટકશે તો લુખ્ખેશ બની ગયેલા નેતાઓ અને બેફામ બનેલા સરકારી અધિકારો કાબૂમાં રહેશે. ખરો ટેસ્ટ થશે વિશ્વની સૌથી મોટી પાર્ટીની લોકપ્રિયતાનો અને એની કેડરનો. તમારા આંગણે આવીને તમારી વાત સાંભળવી પડશે. કોઈ ઓફિસમાં કામ લઈને ગયા હોય અને અધિકારીઓ તમને માણસ ના ગણીને ધુત્કારીને કાઢી મૂકે છે એ કરવાની હિંમત નહીં કરે. તંત્ર તમારા ઘરની બહાર બુલડોઝર લઈને આવતા વિચારશે અને પ્રજાલક્ષી નીતિ બનાવવાની સરકારને ફરજ પડશે. 

એટલે હે ભારતભૂમિના નાગરીકો! ઉઠો! સભામંડપમાં થતા લોકશાહીરૂપી દ્રોપદીના ચિરહરણને રોકવા કટિબદ્ધ બનો! 


સુબોધ-8490919812

18/10/2025, 11:58 PM 




No comments:

Post a Comment