Friday, 27 March 2020

અછૂત સમસ્યા - ભગતસિંહ


ગઇકાલે  ભગતસિંહ દ્વારા લખાયેલ બહુ સમય પહેલા વાંચેલો 'અછૂત સમસ્યા' લેખ વાંચ્યો.  સૌપ્રથમ તો આ લેખ 1923 માં એ વ્યક્તિએ લખ્યો જેનો જન્મ 1907 માં થયેલો. એટલે કે આ લેખ 16 વર્ષના કોઈ નવલોહીયાએ લખ્યો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ બિલકુલ ન લાગે. એ માણસની ચેતનાનું સ્તર કેટલું ઊંચું હશે કે જેણે 16 વર્ષની ઉંમરે (જ્યારે આપણામાના મોટેભાગે ધોરણ 10 કે 11માં ભણતા હોય) આવા વિષય પર એ જમાનામાં આટલું જોરદાર અને સટીક લખ્યું.


આજેપણ ભગતસિંહ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો તો એ જ છે, બદલાઈ છે તો ફક્ત તારીખો. ભગતસિંહના આ લેખ પરથી ખ્યાલ આવે છે કે સત્તાધારી પક્ષ (આમાં રાજકીય અને સામાજિક બંનેનો સમાવેશ થાય) એ વખતે પણ અછુતોના સંગઠિત થવાથી અને બળવો કરવાથી કેટલો ડરતો હતો. (જો કે એ ડર એમની સત્તા ટકાવવા માટે અને સેવા કરવા કોણ આવશે એ બાબતનો પણ હતો જ).  16 વર્ષની વયે લખેલા આ લેખમાં એમણે યુરોપની ક્રાંતિની અને રુસની ક્રાંતિની પણ વાત કરી છે તથા ધર્મગ્રંથોના ચિંતનતત્વોની પણ. આ લખવા માટે એમણે કેટલું વાંચ્યું હશે!!???!! કારણ કે એ વખતે તો નહોતા આજના જમાના જેવા સ્માર્ટ ફોન કે નહોતું ગુગલ જેમાંથી જોઈને ફટાક કરતું વાંચી શકે.

આ લેખમાં મુસ્લિમ લીડર નુર મોહમ્મદનો ઉલ્લેખ પણ છે કે જેઓ બોમ્બે કાઉન્સિલના સભ્ય હતા એમના વિચારો પણ અદભુત છે. અસ્પૃશ્યોની વાત કરવાથી જે પરિસ્થિતિનો સામનો એમને ત્યારે કરવો પડેલો અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે. લાલા લજપતરાયે પટનામાં હિંદુ મહાસભાની સભામાં ધર્મના ઠેકેદારોને અસ્પૃશ્યોને યજ્ઞોપવિત અને વેદ શાસ્ત્રો ભણવાનો અધિકાર છે એ માનવા માટે મહાપરાણે મનાવી તો લીધા પણ એમાં કઈ ખાસ આગળ વધ્યું હોય એવું લાગતું નથી. એટલે આજના દલિતો અને દલિતોના ગોર મહારાજને આ જે મંત્રો બોલવાનો અને યજ્ઞોપવિતનો અધિકાર મળ્યો હશે એ 1923 પછી એટલે હજી 100 વર્ષ પણ નથી થયા એ અધિકારને. તો બીજી બાજુ માલવીય જેવા નેતાઓ હજી પણ જોવા મળે જ છે. ધર્મપરિવર્તન વિશે પણ જે બબાલો ચાલી એના વિશે બહુ સટીક અવલોકન કરવામાં આવ્યું છે. કદાચ બામસેફના મિત્રોને પણ આ લેખ ગમશે કારણ કે આમાં આર્યો વિશે પણ વાત કરવામાં આવી છે.

ભગતસિંહે એ પણ બતાવ્યું છે કે જ્યારે શોષિત વર્ગને એક કરવામાં આવી રહ્યો હોય ત્યારે શાસક વર્ગ કેવી ચાલ અપનાવે છે મજૂર વર્ગની એકતા તોડવા માટે. જે દલીલો આજથી સો વર્ષ પહેલા આપવામાં આવતી હતી કે અછૂતો સાફ નથી રહેતા તે આજે પણ આપવામાં આવે જ છે. એટલે દલિતો માટે આ દલીલોનો ઉપયોગ કરતાં આજના કહેવાતા ઉચ્ચ વર્ગના સ્વ્ચ્છતાના મહારથીઓએ ભગતસિંહે લગભગ 100 વર્ષ પહેલા લખેલા આ લેખમાંથી બોધપાઠ લઈને એ સ્વીકારી લેવું જોઈએ કે તમારી દલીલ 100 વર્ષ જૂની અને વાસી થઈ ગઈ છે અને આજેપણ એ અપ્રસ્તુત જ છે અને એ અપ્રસ્તુત જ રહેવાની છે. 

એક તરફ ભગતસિંહે આ લેખમાં આ સમસ્યાનું નિરાકરણ કેટલું જરૂરી છે એ દર્શાવ્યું છે તો આ નિરાકરણ લાવવા શુ જરૂરી છે એ પણ બખુબી દર્શાવ્યું છે. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોનો જે નારો બાબાસાહેબે આપેલો બરાબર એ જ અર્થ વાળી વાત ભગતસિંહે આ લેખમાં 1923 માં કરી દીધી છે. સાથોસાથ પ્રતિનિધિત્વની વાત પણ એમને એજ સમયે કરી દીધેલી.  સંગઠન શક્તિની તાકાત અને અને જરૂરિયાત વિશે એમણે બહુ  અદભુત વાત આ લેખમાં લખી છે. તેઓ અસ્પૃશ્યોને ઉદ્દેશીને લખે છે કે "संगठनबद्ध हो अपने पैरो पर खड़े होकर पूरे समाजको चुनौती दे दो। तब देखना, कोई भी तुम्हे तुम्हारे अधिकार देने से इनकार करने कि जुर्रत न कर शकेगा। तुम दुसरो की खुराक मत बनो।  लेकिन ध्यान रहे, नौकरशाही के झाँसे में मत फँसना।" 

અને છેલ્લે ભગતસિંહના શબ્દોમાં જ"तुम ही तो देश का मुख्य आधार हो, वास्तविक शक्ति हो, सोये हुए शेरो ! उठो, और बगावत खड़ी कर दो"

દરેકે આ લેખ એકવાર તો 13 મિનિટનો સમય કાઢીને બિલકુલ વાંચવો રહ્યો.
https://www.marxists.org/hindi/bhagat-singh/1923/achoot-samasya.htm

No comments:

Post a Comment