Friday, 27 March 2020


કોરોના વાઇરસની મહામારીનો સમય - આફતને અવસરમાં પલટવાની તક

જી હા!!.. આજે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાઇરસની મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આપણે વિશ્વ આરોગ્ય સંસ્થા અને સરકાર તથા ડોક્ટરો દ્વારા જે સાવચેતીના પગલાં સુચવવામાં આવ્યા છે એનું પાલન કરીએ એ અતિ આવશ્યક છે. અત્યારે જ્યારે એ સર્વ સ્વીકૃત થઈ ગયું છે કે ઘરની બહાર જવાનું નથી અને ઘરમાં પુરાઈને જ રહેવાનું છે ત્યારે એ ગુંગળામણને પોતાની જાતને સુધારવાના એક અવસરની રીતે જોવાની પણ જરૂર છે. આવા અવસરો આવી ઘટનાઓના લીધે કોઈ દિવસ ન આવે એવી આશા રાખીએ. 

આજે જ્યારે સર્વત્ર લોકડાઉનનો માહોલ છે અને પરિસ્થિતિ બહુ કપરી છે ત્યારે ગમા-અણગમા સાથે ઘરમાં જ રહેવું આવશ્યક બની ગયું છે. ધંધા-રોજગાર સર્વત્ર ઠપ્પ છે અને 14 એપ્રિલ સુધી એ બંધ જ રહેશે. ત્યારે સવાલ એ થાય કે આટલા દિવસ ઘરમાં પુરાઈને કરવું શું?? એનો સૌથી સરળ ઉપાય છે કે જે આટલા સમયમાં સાતત્યતાથી અવિરતપણે ન  કર્યું હોય એ કામ. . એટલે કે વાંચન... આપણે હંમેશા ન વાંચવા માટેના બહાના શોધતા હોઈએ છીએ અને પોતાની જાતને ન વાંચી શકવા માટે બેવકૂફ બનાવતા રહેતા હોઈએ છીએ. કોઈ વાર સમય નથી હોતો, નોકરીમાંથી સમય નથી મળતો, કામના લીધે થાકી જવાય છે, મગજ શાંત નથી રહેતું કામના લીધે વગેરે જેવા બહાના આગળ ધરી આપણે છટકી જવાનો પ્રયત્ન કરીએ છીએ. 

ત્યારે આ લોકડાઉનની સ્થિતિમાં હોમ કવોરંટાઇન વખતે અમુક વસ્તુઓ આપણે કરવાના જ છીએ. જેમ કે,
1. વારંવાર ફેસબુક/ઇન્સ્ટા/ટ્વીટર/ટિકટોક સ્ક્રોલ કરવું અને એમાં સ્ટેટસ અપડેટ કરવું, વિડીયો કે પોસ્ટ શેયર કરવી કે પોતાની સ્ટોરી એડ કરવી વગેરે.
2. WhatsAppમાં ચેટ કરવું, સ્ટેટ્સ મૂકવું, વિડીયો કોલ કરવા વગેરે
3. ટીવી સેટ કે મોબાઈલમાં સમાચાર જોવા કે સિરિયલો જોવી કે અન્ય કોઈ રીતે આ રમકડાં સાથે સમય પસાર કરવો. 
4. પોતાની અન્ય કોઈ ટેવો કે વ્યસન હશે એ પ્રમાણે એનું અનુસરણ કરવું.
5. ઘરમાં સભ્યો સાથે ચર્ચા કરીને

આજે જ્યારે આ મહામારીએ આપણને ઘરમાં પુરાઈને પરિવાર સાથે રહેવા મજબૂર કરી દીધા છે ત્યારે એક વસ્તુનો અત્યારે પ્રયોગ કરવા જેવો છે એવો મારો અંગત મત છે. લગભગ 21 દિવસ આપણને કોઈ નવી ટેવ પાડવા અને જુની ટેવ છોડવા માટે પૂરતો સમય કહેવાય. આ સમયમાં તમારે નોકરીએ જવાનું કે થાકવાનું પણ નથી. બસ આખો દિવસ ઉપર ગણાવી એ 5 રીતે જ સમય પસાર કરવાનો છે. ન્યૂઝ પેપર પણ બંધ થઈ ગયા છે ત્યારે ઓનલાઈન કે તમે વસાવેલા પુસ્તક વાંચીને આ આફતના સમયને અવસરમાં પલટવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. અત્યારે ના તો કોઈ ઓફિસનું ટેનશન છે ના તો કોઈ કામનો થાક. (હા આ દિવસો દિવસ પછી કામ ન મળવાનું કે કમાવા ક્યાં જવું એનું ટેંશન તો ખરું!!) 

જો આ 21 દિવસ રોજના ફક્ત 3 કલાક વાંચવાની ટેવ પાડવામાં આવે તો આપણામાં બધું વૈચારિક પરિવર્તન કરવાની બહુ ઉજળી શક્યતાઓ રહેલી છે. તમને જે વિષયમાં રુચિ હોય એ મુજબનું પુષ્કળ વાંચો અને વાંચીને એ પુષ્કળ વાંચનનો સાર લખો. જો 21 દિવસ સતત આ કરી શક્યા તો એક નવી ટેવ પડશે જે જીવનભર કામ લાગશે. આ દરમિયાન કોઈ એવી ટેવ હોય જેને છોડવા માંગતા હોય એ છોડવા માટેનો પણ પૂરતો સમય છે. કોઈ વ્યસન છોડવા માટેનો પણ યોગ્ય સમય. 

શુ આપણે એવું ઇચ્છીએ છીએ કે જ્યારે ભવિષ્યમાં આપણે આ સમય યાદ કરીએ કે કંઈક વાંચન માટે પ્રયત્ન કરીએ ત્યારે આ વેડફેલા સમય માટે આપણને પસ્તાવો થાય?? શુ આપણે એવું ઇચ્છીએ છીએ કે આપણે એ લાગણી લઈને ફરીએ કે આ સમયમાં કંઈ કરી ન શક્યા? સામાન્ય દિવસોમાં જિંદગી બહુ ઝડપભેર આગળ વધતી હોય છે અને એમાં આપણો સમય ક્યાં પસાર થાય છે એનું ભાન જ નથી રહેતું. પણ આ સમયનો મહત્તમ ઉપયોગ કરવાનો આ સૌથી યોગ્ય સમય છે. કવોરંટાઇન રહીને કોઈને ચેપ પણ ન લગાડી શકાય અને આપણાં વર્ષોથી કવોરંટાઇન થયેલા વિચારો અને સવાલોને વ્યક્ત પણ કરી શકાય. 

જો આ દિવસો વેડફાઈ ગયા તો જે લોકો વાંચવાનું શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોય અને જેમની કલમ કંઈક લખવા થનગની રહી હોય એણે આ સમયનો ઉપયોગ કરીને, વાંચીને, લખવાનું ભાથું સંગ્રહી લેવાની અને અને એનો સંગ્રહ કરવાની ટેવ કેળવી લેવાની આ અમૂલ્ય તક જતી ન કરવી જોઇએ. 

એટલે જ પરિવારનું ધ્યાન રાખો, અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળો, ખાંસી કે છીંક વખતે મોઢા આગળ રૂમાલ રાખો, બહાર નિકળતી વખતે શક્ય હોય તો માસ્ક નહીતો રૂમાલ બાંધવાનું રાખો, વારંવાર સાબુથી હાથ ધોવો, ચહેરા અને નાક પર હાથ ન અડાડો અને તબિયત નાદુરસ્ત લાગે તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોકટરનો સંપર્ક કરો અથવા 104 હેલ્પલાઇન ડાયલ કરો.

અને હા તમને જેવું ફાવે તેવું, જે ભાષા (સભ્ય)માં આવડે એ ભાષામાં તમારા વિચારો વ્યક્ત કરો અને પુષ્કળ વાંચી આ આફતના સમયને તમારી જિંદગીને બદલવાના અવસરમાં પલટો એવી અભ્યર્થના. નહીતો ઉપર મુજબના બહાના તો જીવનભર છે જ... આ બધામાં એક વાત ખાસ યાદ રાખવા જેવી એ છે કે આ બધું કરતી વખતે આ દેશના લાખો કરોડો લોકો આપણને યાદ રહે જે આવી રીતે નથી લખી શકતા કે નથી વાંચી શકતા અને આ કપરા કાળમાં ઘર છોડવા માટે મજબૂર બન્યા છે. વાંચીને એમના જીવનમાં પરિવર્તન કરવાનો પ્રયાસ કરી શકીએ તો આ લેખે લાગે

ક્યોંકી પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા... 




No comments:

Post a Comment