જે રીતે ગુજરાતમાં પેપર ફૂટવાથી લઈને કોલ લેટર બારોબાર પધરાવાનું કૌભાંડ ચાલી રહ્યું છે એ જોતાં તમારે જવાબદારી લઈને કહેવાતા ખમીરવંતા ગુજરાતીઓના ખમીરના રખોપા કરવાનો વખત આવી ગયો છે. આટઆટલા પેપર ફૂટવા છતાં અને કૌભાંડ થવા છતાં ગુજરાતના ખમીરવંતા જુવાનિયાઓ પેટનું પાણી નથી હલતું. શરણાગતિ સ્વીકારીને બેસી ગયા છે.
મહાગુજરાત અને નવનિર્માણનું આંદોલન ચલાવનારા ગુજરાતના આવા હાલ? યુવાધન આ હદે નિર્માલ્ય થઈ ગયુ છે? ભાથીજી ગુજરાતી, અદાણી ગુજરાતી, અંબાણી ગુજરાતી અને છેલ્લે છેલ્લે મોદીજીયે ગુજરાતી. મોદીજીની જેમ આ યુવાનોને 56 ઇંચની છાતી બતાવવા પ્રોત્સાહિત કરવાની જવાબદારી સાહિત્યકારો અને લોકકલાકારોએ ઉપાડી લેવી જોઈએ. પણ અફસોસ, એ તો સત્તાધારી પક્ષના માંડવે બેસીને એમના ગુણગાનના રાગ આલાપી રહ્યા છો.
14 વરસની ચારણકન્યાના પ્રદેશની આ દશા? હે પરીક્ષાની તૈયારી કરતા યુવાનો તમને નથી લાગતું કે આ યુવાનોને નિર્માલ્યતાના પાંજરામાંથી છોડાવીને અન્યાય સામે રણશીંગુ ફૂંકવા તૈયાર કરવા જોઈએ? જે યુવાનો પોતાના હક્ક માટે નથી લડી શકતા એ નોકરી મેળવીને પણ શું ઉકાળી લેવાના છે? દેશનું ભવિષ્ય દરેક પેપર ફૂટવાની ઘટના વેળાએ રોદણાં રોતા આ યુવાનો ઘડશે?
નવનિર્માણ આંદોલનનો ઇતિહાસ યાદ કરો અને તમારી જવાનીના વર્ષો પોતાના મળતીયાઓને છાવરવા ભરખી જનારા સત્તાધીશોના શાસનના પાયા મૂળિયાં સહિત ઉખાડીને ફેંકી દો. જો આ ના કરી શકો તો પરીક્ષા પાસ કરીને પણ તમે તમારું પોતાનું ડોજું ભરવા સિવાય કંઈ કરી શકવાના નથી. તમારા લોહીમાં લોહતત્વની ઉણપ છે. સરકારના ઈશારે ઝુકી જનારા બોદા અને બુઠ્ઠી ધારવાળા થઈ ગયા છો તમે.
-સુબોધ કુમુદ
(ફોટો નવનિર્માણ આંદોલન વખતે વિદ્યાર્થીઓએ રોકેલી બસ વખતનો છે)

No comments:
Post a Comment