પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એક લાભની તક શોધે છે;
આ દુષ્ટ જમાનાનું રુદન શું કરીએ?
આંસુમાં ગરીબોના નમક શોધે છે.
ઉદ્યોગપતિઓ માટે નતમસ્તક થઈને વાંકા થઈ જતા નેતાઓ માટે જ મરીઝ સાહેબ આ પંક્તિઓ લખીને ગયા હશે...
મુડીવાદી સરકારના ક્રોની કેપિટાલિઝમ (સરકાર અને ઉદ્યોગપતિઓની ઘનિષ્ઠ, પરસ્પરની સહમીતિથી એકબીજાને ફાયદો કરાવવા ચાલતી અર્થવ્યવસ્થા)ના મોડેલમાં નફો (સરકારી તિજોરીનો નહીં પોતાનો) અગત્યનો છે.
ચીક્કી કે મોહનથાળના ધાર્મિક પાસાની અગત્યતા કરતાં પણ મહત્વની બાબત જે છે એ દરેક વસ્તુમાંથી નફો કમાવાની દાનત છે.
શું સરકાર ચૂંટીને આપણે લાવ્યા છીએ જેના રાજમાં મંદિરમાં મોહનથાળ નહીં પણ ચીક્કી ખાવી પડશે એ સરકારનું ટ્રસ્ટ નક્કી કરશે અને ઈંડાની લારીઓ નહીં ચાલવા દે એ પણ સરકાર જ નક્કી કરશે.
રાજસત્તાના સિંહાસન ઉપર 156 બહુમુખી પ્રતિભાઓને લઈને બિરાજમાન સરકારના શાસનમાં સવાયા ખમીરવંતા ગુજરાતીઓ માટે હવે આઉટસોર્સ પદ્ધતિમાં અને કોન્ટ્રાકટ પ્રથામાં ગુજરાતના અસંખ્ય યુવાનો રિબાઈ મરે છે, ગટરોમાં ઉતારીને માણસને મરવા છોડી દેવાય છે, સરકારી આંકડા મુજબ રોજ 9 શ્રમિકો પુરતા વેતનના અભાવે ગુજરાતમાં આત્મહત્યા કરે છે, લોકોને ખાવાના ફાંફા છે અને ગુજરાતના ગોદામોમાં 774 હજાર કિલો અનાજ બગડી જાય છે, જ્યાં લોકોના લગ્નમાં હવે ફટાકડા કરતા સરકારી નોકરીના પેપર વધારે ફૂટે છે વિગેરે કોઈ મુદ્દા જ નથી. આપણે હવે ચીક્કી અને મોહનથાળની જ ચર્ચા કરવાની છે?
મહાગુજરાત અને નવનિર્માણ જેવા તત્કાલીન સરકારોને ઝુકાવી દેનારા આંદોલનને જન્મ આપનાર ગુજરાતની આ દશા? આ પ્રદેશની 14 વર્ષની ચારણકન્યાએ સિંહને પાછો પાડેલો એ કોણ માનશે? પ્રજાને મોંઘવારીના મારમાંથી છોડાવવા સરકાર સામે બાથ ભીડનારા એ યુવાનો જે હાલની પેઢીને જોઈ રહ્યા છે એ ચોક્કસથી નિરાશા વ્યક્ત કરતા હશે.
સરકાર સામે આંદોલન કરવા માટે ચીક્કી કે મોહનથાળ વિષય નથી. અસલી મુદ્દા શિક્ષાનું ખાનગીકરણ અને સરકારી નોકરીઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાતી નથી એ છે. પ્રધાનમંત્રી પાક વીમાના નાણાં હજી સુધી ખેડૂતોને નથી મળ્યા એ છે. લઘુત્તમ વેતન (મીનીમમ વેજીસ) ના દરમાં વધારો નથી થતો એ છે. દુષ્કર્મના કેસોમાં 398 ટકાનો વધારો થઈ ગયો એ છે. સાબરમતી નદીમાં ગામ આખાની ગંદકી ઠાલવીને નદી અને જમીન બંનેની દશા બગાડીને ત્યાં પાકતા શાકભાજી રૂપે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ઝેર આપવામાં આવે છે એ મુદ્દા છે.
આપણે પણ પ્રજા તરીકે ચીક્કી અને મોહનથાળ જેવા મુદ્દાઓને મહત્વ આપવાનું બંધ કરતા નથી. જે રીતે મોહનથાળ માટે આંદોલન થાય છે એ રીતે જીવતા જાગતા માણસો માટે સવાયા અને ખમીરવંતા ગુજરાતીઓ ક્યારે આગળ આવશે?
-સુબોધ કુમુદ
No comments:
Post a Comment